જય જવાન જય કિસાન

“વધુ મથે માનવી, ત્યારે વીઘો માંડ પવાય,
રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય.”

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો રહી છે. અન્ન,વસ્ત્ર અને આવાસ જઠરાગ્રી શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. આદિમાનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

‘ખેતી એટલે ખેતર ને લગતું કોઈપણ કાર્ય’ ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. રાષ્ટ્રીય આવકના ૨૬% ભાગ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ખેતી માટે અહીં વિશાળ ફળદ્રુપ મેદાનો છે તેમજ બારેમાસ વિવિધ પાક લઈ શકાય એવી આબોહવા છે. કુશળ અને મહેનતુ ખેડૂતો છે. શ્રમ શક્તિ ના લગભગ ૬૦% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતી માંથી જ મળે છે. ખેતી અને પાણી એકબીજા સાથે સંકળાયેલા છે એટલે જ મનુષ્યે પોતાની સંસ્કૃતિઓને નદીઓને કિનારે વિકસાવી છે. કૃષિધન, પશુધન અને જ્ઞાનધન આપણી મૂળભૂત તાકાત છે. ખેડૂત દેશનો અન્નદાતા છે પાલનકર્તા છે. તેથી જ તેને જગતનો તાત પણ કહેવાય છે. તે બીજાની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તેથી તેને ભાગ્યવિધાતા પણ કહેવાય છે.

આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમાન ચૌધરી ચરણસિંહ જેઓ જન્મજાત એક ખેડૂત હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ઘણા કાર્યો કર્યા હતા તેથી તેમના જન્મદિવસ નિમિત્તે ૨૩ ડિસેમ્બરને ખેડૂતદિન તરીકે ઉજવવામાં આવે છે.

આજના આધુનિક યુગમાં ખેતીનું મહત્વ ઘટતું જાય છે. પણ એક વાત હંમેશા યાદ રાખો કે દેશ ગમે એટલો ડિજિટલ કેમ ન થઈ જાય અનાજ કઈ કોમ્પ્યુટરમાં ના પાકે એ તો ખેતરમાં જ પાકે માટે ખેતી બચાવવી અને અનાજ નો બગાડ ન કરવો એ આપણી નૈતિક ફરજ છે.

એક ખેડૂતનું કાર્ય આપણા દેશના વિકાસમાં અને આપણા રોજિંદા જીવનમાં કેટલું ઉપયોગી છે તેની સમજૂતી બાળકોને આપવા માટે અમારા બાલભવનમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ગામઠી જીવનથી પરિચિત થાય એ માટે ગામડુ પ્રત્યક્ષ ઊભું કર્યુ હતું અને બાળકોને ખેડૂતના કાર્યની સમજૂતી આપી હતી. ઘઉં માંથી બનતી વિવિધ વાનગીઓની સમજ આપી. બાળકો ઘરેથી જ ઘઉંમાંથી બનતી વિવિધ વાનગીઓ લાવ્યા હતા. જે તેમણે પોતાના મિત્રો સાથે મળીને ખાધી.

દેશના બધા જ ખેડૂતોને દિલથી વંદન છે તમારે દિવસ રાતની મહેનતથી જ અમારું જીવન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *