ધર્મના રંગે રંગાયેલો તહેવાર હોળી

“ફાગણ આવ્યો હોળી લાવ્યો, ખજુર હારડા, ધાણી લાવ્યો,

ધૈરયાની ટોળી આવી…, રંગભરી પિચકારી લાવી…”

 

આદીકાળથી ભારતીય સંસ્કૃતિમા તહેવારો જોડાયેલા છે. ઉત્સવો જીવનમાં આનંદની સાથે નવીનતાનો સંચાર કરે છે અને આવો જ જીવનને રંગીન બનાવતો તહેવાર એટલે હોળી. તહેવાર એક પરંતુ રંગ અનેક. ધુળેટી નો પર્વ એટલે મોજમસ્તીનું પર્વ.

શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ અનુસાર “માસા નામ ઉત્તમ માસે” એટલે કે મહિનાઓમાં ઉત્તમ મહિનો. જેને આપણે ફાગણ તરીકે ઓળખીએ છીએ. આજ ફાગણ માસમાં ઋતુઓ બદલાય છે. પાનખર ઋતુ વિદાય લેતી હોય, ખરી ગયેલા જુના પાન, ફળ, ફૂલના સ્થાને નવી નવી નવાકુરીત કુંપળો, ફૂલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્યંત સોહામણા દ્રષ્ટિગોચર થાય છે.

 

હોળી-ધુળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. હિરણ્યકશ્યપ નામે રાજા.. જાણે દૈત્યોનો અવતાર પરંતુ કાદવ માં કમળ એવો પુત્ર પ્રભુ ભક્ત પ્રહલાદ બંને પોતાની જીદ પર અડગ. પિતાએ પુત્રને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા અંતે બહેન હોલિકાની મદદથી હિરણ્યકશ્યપે પ્રહલાદને  સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ અગ્નિમાંથી જીવતા બહાર આવ્યા અને ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર અને બીજા દિવસે ધુળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

 

“હૈયાને રંગમાં ઝબોળી, આવી છે રંગીલી હોળી…

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ,

ઉમંગે ખેલે ભેરુઓની ટોળી, આજ આવી છે રંગીલી હોળી..”

 

હોળી અને ધુળેટી પર્વ ભારતના વિવિધ પ્રાંતોમાં વૈવિધ્યપૂર્ણ રીતે ઉજવાય છે. જેમ કે પંજાબમાં હોળીનો તહેવાર હોલા મોહલ્લાના નામથી ઓળખાય છે. બરસાના, મથુરા અને વૃંદાવનમાં લઠ્ઠુંમાર હોળી ઉજવાય છે. હોળીને રંગ પંચમી અથવા શ્રી પંચમી તરીકે પણ ઓળખાય છે.

આ પર્વ આપણને સંદેશ આપે છે કે એકબીજાના દોષો ભૂલી એકબીજાને પ્રેમથી અપનાવવા જોઈએ. હોળી ઉત્સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસું હોય તો તે ગીત, સંગીત અને નૃત્ય છે. આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું પર્વ એટલે હોળી.

બાળકો ભારતીય સંસ્કૃતિ પરિચિત થાય તે માટે અમારા બાલભવનમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને હોળીના તહેવાર વિશે સમજૂતી આપી અને હોળી સાથે સંકળાયેલી “ભક્ત પ્રહલાદ અને હોલિકા” ની કથા બાળકોની નાટ્યકૃતિ  દ્વારા શિક્ષકોએ ખૂબ જ સરસ રીતે રજુ કરી. બાળકોને કુદરતી રંગો વડે હોળી રમવા અને પાણીનો બગાડ નહીં કરવા સમજાવ્યું સાથે બાળકોએ પોતાના મિત્રો સાથે હોળી રમી ડાન્સની મજા માણી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *