“તારી ઉતંગ ઉડાન આગળ, ગગન પણ ઠીંગણું ભાસે,
તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે.”
“યંત્ર નાર્યસ્તુ, પૂજ્યન્તે, રમન્તે દેવતા” અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. તેથી જ કહેવાયું છે કે “નારી તું નારાયણી” આપણા વૈદિક શાસ્ત્રે આહવાહન કર્યુ છે કે, નારી શક્તિ રાષ્ટ્રને દિશા અને ગતિ આપવા સમર્થ હોવી જોઈએ. પ્રાચીન કાળથી જ ભારતમાં મહિલાઓએ નિર્ણાયક, નેતૃત્વ અને પ્રેરણા આપી રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે
પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે” એ ઉક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે. દેશના વિકાસમાં મહિલા સશક્તિકરણ થકી આજે મહિલાઓએ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. રાજકારણ, અર્થવ્યવસ્થા, સુરક્ષા, અવકાશ સંશોધન, ટેકનોલોજી અને પ્રોદ્યોગિકી જેવા મહત્વના ક્ષેત્રે સમાન નેતૃત્વ પૂરું પાડી ભારતની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બની રહી છે.
ભારતની નારી શક્તિએ વિશ્વને જ્ઞાન અને સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. ઉત્તરમાં મીરાબાઈથી દક્ષિણમાં અક્કા મહાદેવી સુધીની નારી શક્તિએ ભક્તિ અને જ્ઞાનનો સંદેશ આપી ઉન્નત સમાજ ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. લેખન, ગાયન, નૃત્ય, ચિત્ર અને શિષ્ય કલાના આ પાંચેય સ્વરૂપમાં નારી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ, દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે. કારણ કે ભગવાને પણ દુનિયામાં જન્મ લેવા માટે ‘માં’ ની જરૂર પડે છે. તેથી જ ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો ૩૬૫ દિવસ મહિલાઓના હોય છે પરંતુ આ દિવસને સ્પેશિયલ મહિલાના અસ્તિત્વ તરીકે ઉજવવામાં આવે છે.
નારી શક્તિ અને સ્ત્રીની ગૌરવ ગાથાને બિરદાવવા માટે અમારા બાલભવનમાં ‘વુમન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાલીશ્રી માટે “સર્વાઇકલ કેન્સર અવેરનેસ” અંતર્ગત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. શીતલ જોશી એ સર્વાઈકલ કેન્સરના કારણો, લક્ષણો અને નિદાન વિશે ખૂબ જ સરસ માહિતી આપી હતી. આ સેમિનારમાં ઘણા બધા વાલીશ્રી અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
“સ્ત્રી એટલે એ નદી જેના વગર સાગર અધુરો રહે છે.”