ભાઈ-બહેન ની પ્રીત નું પવિત્ર પર્વ – રક્ષાબંધન

સાંજને ઝંકારવાની વેળા છે,

સૂરની સાથે શબ્દનો મેળ છે,

વીરા! આપણી વચ્ચે બીજું કશું નથી.

બસ સૂતર નો દોરો અને સ્નેહનો નાતો છે.

 

તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે. દરેક તહેવારોની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. આપણા દેશમાં ભાઈબહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઉજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરૂ મહત્વ ધરાવે છે.

ભાઈ બહેન ની પ્રીત નું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ”

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના નિર્મળ, શુદ્ધ, સ્નેહભાવ ને ઉજાગર કરે છે. માનવ જાતમા માં નો પ્રેમ અને મમતા બીજું કોઈ જ ન દાખવી શકે. આ સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સંબંધ ન આવે. જગતના સઘળા સંબંધોની વચ્ચે નિ:સ્વાર્થ અને પવિત્ર એ ભાઈ-બહેનની સાચી પ્રેમ સગાઈ એ જાણે ખારા સમંદરની વચ્ચે સાંપડતી કોઈક મીઠી વીરડી જેવી ઘટના છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. તેમના કપાળે કુમકુમ તિલક કરે છે. ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. ભાઈ પણ સુતરના તાંતણે બંધાઈને બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનની ઉજવણી અલગ અલગ રીતે પણ કરવામાં આવે છે. આ દિવસે સાગર ખેડુઓ, માછીમારો તથા મરજીવાઓ સાગરની પૂજા કરી નાળિયેર ચઢાવે છે. તેથી તેને નાળિયેરી પૂનમ કહેવાય છે. તો ઉત્તર ભારતમાં તેને કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે. તો આ દિવસે વૈદક્ષ બ્રાહ્મણો જનોઈ ધારણ કરે છે. તેથી તેને બળેવ તરીકે પણ ઉજવાય છે. રક્ષાબંધનના રક્ષાસૂત્રથી ભાઈ માટે બહેનનો પ્રેમ અને બહેન માટે ભાઈનો પ્રેમ એક બીજા માટે પ્રાણવાયુ સમાન બનીને દીપી ઊઠે છે. રાખડી આમ તો માત્ર સુતરનો દોરો જ છે. પરંતુ તેમાં અજબની શક્તિ છે. આ પવિત્ર ધાગામાં બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સમાયેલો છે.

પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી મળે છે. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ-દ્રૌપદી, કુંતા-અભિમન્યુ, રાણી કર્ણાવતી અને મુગધ બાદશાહ હુમાયુ વગેરે.. બાળકોને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના ઉત્સવનું મહત્વ સમજાય એ માટે અમારા બાલભવનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા શિક્ષકોએ નાટ્યકૃતિ દ્વારા ભાઈ-બહેન નો પ્રેમ દર્શાવ્યો, બાળકોએ ડાન્સ રજુ કર્યો તેમજ શિક્ષકોએ રક્ષાબંધન મહત્વ સમજાવ્યું. રક્ષાબંધનની એક્ટિવિટીના ભાગરૂપે બાળકોએ સુતળી અને વેસ્ટ વસ્તુઓમાંથી સરસ મજાની રાખડી બનાવી. બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવી તેને બચાવવાના શપથ લેવડાવી તેને પણ રાખડી બાંધી. સરહદ પર દેશનું રક્ષણ કરતા સૈનિકોનું કાર્ય અને તેમનું મહત્વ સમજાવી તેમને પણ રાખડી બંધાવી  બાળકોએ પોતાના સહઅધ્યાયીઓને રાખડી બાંધી આ પવિત્ર તહેવવાની ઉજવણી કરી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *