મકરસંક્રાંતિ

આમ તો ભારતમાં દરેક દિવસ એક તહેવાર છે. અહીની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને કળા નો વારસો અતુલ્ય છે અને તેથી જ અહીંના લોકો પોતાનું જીવન મન ભરીને માણે છે. દરેક તહેવારની પાછળ અનેક રહસ્ય છુપાયેલા હોય છે. જેમકે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ્ય અને આયુર્વેદથી જોડાયેલી દરેક બાબત.

ભારતના દરેક રાજ્યોમાં દર વર્ષે ૧૪મી જાન્યુઆરીનો દિવસ મકરસંક્રાંતિના પર્વ તરીકે ઉજવાય છે. આ દિવસનું વિશેષ મહત્વ ભારતીય, ખગોળ, જ્યોતિષ, ભૌગોલિક, ધાર્મિક, આધ્યાત્મિક, આરોગ્ય તથા ખેતીવાડીની દ્રષ્ટિએ વિશેષ છે.

સૂર્યનું મકર રાશિ તરફ થતું પ્રયાણ એટલે મકરસંક્રાંતિ. આ દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આવી વિસ્થાપન ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે.

આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે અને તેથી જ મકરસંક્રાંતિને ભારતનો કૃષક તહેવાર તરીકે પણ ઉજવાય છે.મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ઉતરાયણ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આણંદ માણવાનો તહેવાર છે. અલગ અલગ રાજ્યોમાં તેની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે, જેમ કે પંજાબ-હરિયાણામાં લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ તેમજ આંધ્રપ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. 

સૂર્ય ઉતરાયણ થતા જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. સૂર્યના તેજસ્વી પ્રકાશથી શિયાળામાં રાહત મળવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે. જેમ કે ગોળ, તલ, સિંગદાણા, ખીચડી વગેરે…. સૂર્યપ્રકાશ શરીરને તંદુરસ્ત રાખે છે અને ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ જે આરોગ્ય પ્રદાન કરે છે.

 

ઉતરાયણ માત્ર આનંદ નહિ પરંતુ પુણ્યનું ભાથુ બાંધી લેવાનો અનોખો અવસર છે. આ દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવામાં આવે છે અને સ્નાન અને દાન કરવાનો વિશેષ મહત્વ છે. પણ આજે માનવીની હરીફાઈ કરવાની ઘેલછા બેજુબાન પક્ષીઓ અને મનુષ્ય માટે જીવલેણ સાબિત થાય છે. ચાઈનીઝ, સિન્થેટિક, કાચના માંઝા વાળી દોરીથી પક્ષીઓની પાંખ અને માણસોના ગળા પણ કપાય છે.

તહેવારોની નિર્દોષતા જળવાઈ અને બાળકો સાવધાની પૂર્વક તહેવારની મજા માણી શકે તે હેતુથી આજરોજ અમારા બાલભવનમાં ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ઉતરાયણની સમજ આપી વિવિધ રાજ્યોમાં થતી ઉજવણીની ઝાંખી બતાવી. શિક્ષકો દ્વારા ઉતરાયણમાં શું સાવચેતી રાખવી એની સમજ નાટ્યાત્મક રીતે આપવામાં આવી હતી. બાળકોએ ડાન્સ કરી પોતાના મિત્રો સાથે લાડુ અને ચીકી ખાવાની મજા માણી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *