ભારતની આઝાદી નો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવવા અનેક ક્રાંતિકારી, શૂરવીરોએ તન, મન અને ધનનું બલિદાન આપી પોતાનું સર્વત્ર ન્યોછાવર કરી દીધું હતું અને ભારત માતાને ગુલામી માંથી મુક્તિ અપાવી. જેમાં સૌથી મહત્વનો ભાગ મહાત્મા ગાંધી આપ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ સત્ય અને અહિંસાની લડતે ભારતને દુનિયાના નકશા પર સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે.
મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી રાજકીય વ્યક્તિ હતા અને પોરબંદરના મુખ્યમંત્રી હતા તેમના માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીનો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેથી જ જીવનની નાની ઉંમરથી જ તેમણે જીવંત માણસોને ઈજા ન પહોંચાડવી, સહિષ્ણુતા અને શાકાહાર જેવા ગુણો વિકસ્યા હતા.
ખાદી મારી શાન છે, કર્મ જ મારી પૂજા છે અને હિન્દુસ્તાન મારી જાન છે.
ગાંધીજીના લગ્ન માત્ર ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે થયા હતા. કસ્તુરબા એ ગાંધીજીને આઝાદીની લડતમાં ખૂબ જ સાથ આપ્યો હતો. ગાંધીજીએ પોરબંદરમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા વિલાયત ગયા અને કાયદાનું શિક્ષણ મેળવ્યું. દક્ષિણ આફ્રિકામાં કાળા ગોરા નો ભેદભાવ જોઈ તેમને સત્યાગ્રહ કરવાની પ્રેરણા આપી. ભારત પાછા ફરીને તેમણે અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને અંગ્રેજોની સામે અહિંસક લડતની શરૂઆત કરી. સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલનનો કર્યા. મીઠા નો કાયદો ભંગ કરવા માટે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા કરી. વિદેશી કપડાંનો બહિષ્કાર અને લોકોને સ્વાવલંબન બનાવવા માટે તેમણે પોતડી પહેરી અને રેટીયો કાપી ખાદી અપનાવી.
ગાંધીજીએ હિંદુ મુસ્લિમની એકતા માટે અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનો માટે ઘણા કાર્યો કર્યા. જેથી તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા અને બાપુના હુલામણા નામથી સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થયા. ગાંધીબાપુએ પોતાના જીવન ઉપર લખેલી આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજે પણ લોકો માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ઈ.સ.૧૯૪૮ માં જાન્યુઆરી માસની ૩૦ મી તારીખે નાથુરામ ગોડસે તેમને ગોળી મારી હત્યા કરી હતી. તેમની સમાધિ આજે રાજઘાટ તરીકે ઓળખાય છે. અમારા બાલભવનમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાંધીજીના જીવન ચરિત્ર વિશે સમજૂતી આપવામાં આવી અને દાંડીકૂચ યાત્રાની સમજ નાટ્યાત્મક રૂપી આપવામાં આવી. આઝાદીની લડતના ઘડવૈયા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમના જન્મદિવસ નિમિત્તે કોટી કોટી વંદન.