વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

“ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ,

વાવો ભાઈ વાવો માથાદીઠ એક ઝાડ”

 

પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ એ હવા, આપણે પીએ છીએ એ પાણી, આપણે અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરે છે તે જમીન. 

પૃથ્વી પર યોગ્ય સંતુલન જાળવવા માટે પર્યાવરણનું એક સંપૂર્ણ ચક્ર છે. આપણા સ્વસ્થ જીવનનું અસ્તિત્વ પર્યાવરણ પર નિર્ભર છે. જીવ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ માનવ જીવનના દરેક તબક્કે પોતાના સુખ-સગવડ અને આરામ માટે કોઈને કોઈ રીતે પ્રકૃતિના તત્વોનો એટલો બધો ઉપયોગ કર્યો છે કે આજનો માનવી ઝાડ-પાનના જંગલોમાંથી સીધો સિમેન્ટ-ક્રોક્રિટના જંગલોમાં આવીને ફસાઈ ગયો છે. 

સમગ્ર દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. આજે ઉદ્યોગીકરણ અને શહેરીકરણના મોહમાં માનવીએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. જેના કારણે ઓક્સિજન વાયુની અછત વર્તાય છે અને તાપમાનમાં પણ ઉત્તરોત્તર વધારો થાય છે. 

“ઈંટોની દીવાલ વચ્ચે ઊભું હુ તરું,

ક્રોકિટ ના કુંડામાં હવે હુ જીવું કે મરું?”

 

આજે લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેલાવે છે જેના કારણે પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. દુનિયાના અનેક દેશો આજે જળ સંકટનો ભોગ બન્યા છે. પ્રાણીઓ અને અન્ય જીવો પણ પર્યાવરણનો જ એક ભાગ છે. જંગલોની ઘટતી સંખ્યા અને પ્રદૂષણને કારણે આજે અનેક પ્રાણીઓની જાતિ લુપ્ત થવાને આરે છે. આ સદીમાં આપણે વિકાસના નામે પર્યાવરણને સતત નુકસાન પહોંચાડી રહ્યા છીએ. 

આપણી ધરતી માતાનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે કથળી રહ્યું છે. પર્યાવરણીય પ્રદૂષણ એ હદે પહોંચી ગયું છે કે આપણે તેમાંથી બહાર નીકળી શકતા નથી પરંતુ આપણે પર્યાવરણને વધુ પ્રદૂષિત થતા ચોક્કસપણે રોકી શકીએ છીએ અને તેથી જ દર વર્ષે ૨૮મી જુલાઈને ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. 

બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે અમારી શાળામાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવી તેની જાળવણી અને તેની ઉપયોગીતા વિશે સમજ આપી હતી. બાળકોએ એક પાત્રીય અભિનય દ્વારા પર્યાવરણના વિવિધ તત્વો વિશે ખૂબ જ સુંદર માહિતી આપી હતી. ચાલો સાથે મળીને પર્યાવરણની જાળવણી કરીને આવનારી પેઢીને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *