બાળકને મન વાર્તા એ રંગીન કલ્પનામાં નહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્દભુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત છે. બાળકોને મન વાર્તાએ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા શબ્દોની સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે છે અને એ આનંદથી જીવનયાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને ભાષાકીય રીતે ખુબ સમૃદ્ધ કરે છે. વાર્તાએ – વાર્તાએ શબ્દ સમૃદ્ધિ ભરેલી હોય છે અને જાણ્યે – અજાણ્યે બાળકો એનો લય માણતા-માણતા ચમત્કૃતિ અનુભવતા ઘણુ પ્રત્યક્ષ કરતા હોય છે અને શીખતા હોય છે.
વાર્તા એ માનવજીવનનો અજર અમર વારસો છે. વાર્તાઓમાં માનવના ભાવો અને પ્રકૃતિપ્રેમ બંધાયેલા હોય, વાર્તામાં વાર્તારસ હોય, પણ સાથે-સાથે જીવનનું કંઈક ને કંઈક રહસ્ય તેમાં ગર્ભિત રીતે ગૂંથાયેલ હોય. જે બાળકોને ન ખબર પડતાં પણ સમજાઈ જાય છે. વાર્તાઓ જીવનનું રહસ્ય બાળકો સમક્ષ પ્રત્યક્ષ કરે છે.
વાર્તાઓમાં જ સ્વભાવનું મુખ વર્ણન હોય, એનાથી બાળકો વાર્તા દ્વારા સમાજને સારી રીતે ઓળખતા શીખી શકે. આપણે જે વાર્તા કહીએ તેનો ચિત્ર બાળકની કલ્પના સૃષ્ટિ માટે ખડુ થતું જાય. એટલે જો બાળવાર્તાનું જોડાણ બાળકોના અનુભવ પ્રદેશ ઉપર થયેલું હશે તો તેઓ એક સુંદર કલ્પના સૃષ્ટિ ખડી કરી શકશે અને માણી શકશે.
વાર્તા અબાલ – વૃદ્ધ બધાને ગમે છે. બાળકોને તો તે અત્યંત પ્રિય હોય છે તેથી વાર્તાનો ઉપયોગ બાળકોના વિકાસ માટે કરવો જોઈએ.
વાર્તા દ્વારા કયા ઉદ્દેશ સિદ્ધ થાય?
1. વાર્તા દ્વારા ભાષા વિકાસ થાય છે.
2. વાર્તા દ્વારા સંસ્કાર મળે છે.
3. વાર્તા દ્વારા જીવનનો અનુભવ થાય છે.
4. વાર્તા દ્વારા શીખ મળે છે.
5. વાર્તા દ્વારા કલ્પનાશીલતા, તર્ક શક્તિ, અનુમાન શક્તિ વધે છે અને બુદ્ધિ વિકાસ થાય છે.
6. વાર્તા દ્વારા વ્યવહાર જ્ઞાન વધે છે.
તો આ ઉદ્દેશથી આજ-રોજ તા. 25 જુલાઈ 2023 ના દિને ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ કતારગામમાં બાળવાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ – 1 અને 2 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે વાર્તાની રજૂઆત કરી પ્રેક્ષકોને જીવન જરૂરી બોધપાઠ આપ્યા.
Post Views: 204