‘પ્રકૃતિના ઉત્સવની ઉજવણી વસંતપંચમી’

વસંત એ સૃષ્ટિનું યૌવન છે. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ, વસંત એટલે તહેવારનો શણગાર, વસંત એટલે નવપલ્લવિત થયેલું, મ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઉઠેલું અને પ્રસન્નતા થી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદ વિભોર બનાવે છે. આમ વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે. વસંત પંચમી એ પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઊઠે છે.

ભારતીય પંચાગ મુજબ મહાસુદ પાંચમની તિથી એ જ્ઞાન-વિદ્યાની દેવી ‘માં સરસ્વતી’ ના અવતરણ દિન તરીકે ઉજવાય છે. વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીની ઉપાસનાનો મોટો મહિમા છે. સરસ્વતી દેવીનું ભગવતી શારદા, વાણીવાહિની, વીણાવાદીની અને વાગ્દેવી જેવા અનેક નામોથી પૂજન કરવામાં આવી છે.

‘વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ’

બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિના સર્જન કર્યુ હતું. પરંતુ આ સર્જનથી બ્રહ્માજી ખુશ ન હતા. તેમને સમગ્ર સૃષ્ટિ વેરાન ભાસતી હતી. તેથી તેમને પોતાના કમંડળમાંથી પૃથ્વી પર જળનો છટકાવ કર્યો અને ચતુરભુજ વાળામાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું જેમના એક હાથમાં વિણા, બીજા હાથમાં ગ્રંથ, ત્રીજા હાથમાં માળા અને ચોથા હાથમાં વરમુદ્રા ધારણ કરી છે. તેમણે પોતાની વીણામાં મધુર સ્વર વગાડતા જ સમગ્ર સૃષ્ટિ જીવંત થઈ ઉઠી.

પુરાણોમાં વર્ણિત કથાઓ પ્રમાણે વસંત પંચમીના દિવસે શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી ની પૂજા કરી વિદ્યા અભ્યાસની શરૂઆત કરી. તેથી શિક્ષણ સંસ્થાઓમાં આ દિવસ જ્ઞાનોત્સવ તરીકે ઉજવાય છે. આ દિવસે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરી તેની આગળ પાઠ્યપુસ્તકો અને નોટબુકો તેમજ સંગીતના સાધનો મૂકી તેનું પૂજન કરવામાં આવે છે. સરસ્વતીની દેવી વાણી, શબ્દ, વિચાર, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સર્જનતાના દેવી છે.

આજરોજ અમારા બાલભવનમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને વસંત પંચમીની સમજૂતી આપી હતી. અમારા નાના નાના બાળકોએ ભારતનાટ્યમ દ્વારા સરસ્વતી વંદના કરી અને બાળકોને વિદ્યાનું મહત્વ સમજાવ્યું.

“જ્ઞાનોત્સવ વસંત ઋતુ તણો, ઢોલ શરણાઈ થકી ઉજવાઈ જી,

પાય લાગુ દેવી સરસ્વતીને, હરખે સર્વોત્તમ વિદ્યા પૂજાય જી”

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *