પ્રકૃતિમાં અસીમ વૈવિધ્ય છે. આ વૈવિધ્ય માનવપ્રકૃતિમાં પણ સહજપણે રહેલું છે અને તેથી જ પૃથ્વીપર જન્મ લેનાર દરેક બાળકની સાથે તેનામાં રહેલી સર્જનાત્મકતા પણ જન્મ લે છે. પ્રત્યેક બાળકમાં રહેલી પૂર્ણતાની ઓળખ અને તેનું પ્રગટીકરણની પ્રક્રિયાને આપણે શિક્ષણ કહીએ છીએ. બાળકોમાં રહેલી સર્જનાત્મકતાને ખીલવવા માટે મોકળું મેદાન આપવામાં આવે તો બાળક દુનિયાના કોઈ પણ ખૂણે પોતાની કાબેલિયત સાબિત કરી શકે છે.
દરેક બાળક એક કલાકાર છે. એકબીજાથી અલગ છે. દરેક બાળક અલગ-અલગ હુન્નર અને આવડત ધરાવે છે બસ જરૂર છે તો તેને સમયસર ઓળખવાની અને પછી તેને યોગ્ય રીતે મંચસ્થ કરવાની. બાળકમાં રહેલી અસીમતા, વિશેષતાને અનન્યતા જેમ જેમ છતી થાય તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે. શાળામાં બાળકોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી તેઓમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે મંચસ્થ કરી બાળપ્રતિભાને ઉજાગર કરવામાં આવે છે.
સુનિતા મેકર સ્પેસમાં બાળકને તેના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. શૈશવકાળમાં પસંદગીના ક્ષેત્રની તાલીમ તેને યુવાવયે કારકિર્દીના ઘડતરમાં ઉપયોગી નિવડે છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, સ્પોર્ટ્સ, સાયન્સ સહિતના કોઈપણ ક્ષેત્રે બાળકની રુચિ તેનામાં છુપાયેલી શક્તિના દર્શન કરાવે છે.
માતૃસભર હૃદય ધરાવતા અમારા ટ્રસ્ટી શ્રીમતી સુનિતાબેન ચુનીભાઇ ગજેરા બાળકો પ્રત્યે અથાગ પ્રેમ ધરાવતા હતા. તેમને બાળકોના સર્વાગી વિકાસ માટે ખૂબ સુંદર પ્રયત્ન કર્યા છે. તેથી જ તેમના જન્મદિવસને સમગ્ર ગજેરા પરિવાર “મેકર્સ ડે” તરીકે ઉજવે છે.
આજરોજ અમારી શાળામાં પણ ‘મેકર્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાયન્સ ક્લબના બાળકોએ વિવિધ પ્રયોગો કર્યા, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લબના બાળકોએ પેપરબેગ અને દીવા ડેકોરેશન તેમજ માટીમાંથી વિવિધ કલાકૃતિ બનાવી. વિસરતી જતી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના મનોરંજન માટે ફોરેસ્ટ કોર્નર, સેલ્ફી કોર્નર પણ રાખવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓએ આ ઈવેન્ટની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us