“નઈ સોચ, નઈ પહેલ”
“હે માનવ! થોડી દયા તો જાત પર કર,
બચાવી લે પર્યાવરણ, ન તો ખુદ નો અંત કર,
પશી, પક્ષી, વૃક્ષો પર થોડો રહેમ કર,
મુલ્યવાન પ્રકૃતિને જાળવવાનો આરંભ તો કર…”
કવિ શ્રી ઉમાશંકર જોશી એ પર્યાવરણ વિશે સુંદર પંક્તિની રચના કરી છે. “વિશાળતા એ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે” આપણી આ સુંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વ છે. જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સમગ્ર સૃષ્ટિમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ હોય સૌ કોઈ પોતપોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે તેવી કુદરતી વ્યવસ્થા હતી! પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીઓ વસુંધરા ઉપરની બધી જ કુદરતી સંપતિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું અને કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોંચાડી દીધું છે.
પ્રદૂષણ એ પ્રકૃતિને માનવ દ્વારા મળેલું દુષણ છે. વિજ્ઞાન કે માનવીની આ કહેવાતી ગતિને કારણે વિશ્વમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્થાપત્ય બાબતે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
પર્યાવરણની જાળવણી એ દરેક દેશ માટે જટિલ પ્રશ્ન બની ગયો છે. પર્યાવરણની સુરક્ષા પ્રત્યે સજાગ થઈ જો આજે આપણે પર્યાવરણનું જતન કરીશું તો આવતીકાલે પર્યાવરણ આપણું જતન કરશે અને આપણી આવનારી પેઢીને સ્વસ્થ અને સુંદર પર્યાવરણની ભેટ મળશે.
‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા જ લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજ્જ થાય તો આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.
અમારા ગજેરા બાલભવન દ્વારા આ અંગે એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં “PLANT A SMILE” શિર્ષક હેઠળ ગામડાની થીમ ઉપર સુનિતા મેકર્સસ્પેસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો ગામઠી જીવનથી પરિચિત થાય એ હેતુથી પ્રત્યક્ષ ગામડાની કૃતિ બનાવી હતી. (ઝાપો, રસોડું, પરસાળ વગેરે…) બાળકોએ પોતાની કાલી ઘેલી ભાષામાં પર્યાવરણ બચાવવાનો ખૂબ જ સુંદર મેસેજ આપ્યો હતો તેમજ ડાન્સ કૃતિ રજૂ કરી હતી. બાળકોના મનોરંજન માટે વિવિધ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાની હાજરી એ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. મોટી સંખ્યામાં વાલીશ્રીઓએ આ કાર્યક્રમ નિહાળવા અમારી શાળાની મુલાકાત લીધી તેમજ ખૂબ જ સુંદર અભિપ્રાય આપ્યો હતો.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us