“ગોકુળ જેનું ગામ છે, રંગ જેનો શ્યામ છે,
બંસરી વગાડે છે, રાસ રચાવે છે
યશોદા દેવકી જેમની મૈયા, એવા અમારા કૃષ્ણ કનૈયા..”
ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પર્વ, તહેવાર અને ઉત્સવની વણઝાર યુગોથી ચાલતી આવી છે. તેને લઈને આપણી જુગ જૂની પરંપરાઓ આજ સુધી જળવાઈ રહી છે. દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે.
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે જ્યારે જ્યારે માનવ જાતિને કે દેવોને ભય ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લઈને જગતનો ઉદ્ધાર કરે છે પરંતુ તમામ અવતારોમાં બહુમાન કેવળ મનુષ્યાવતાર શ્રીકૃષ્ણને જ મળ્યું છે.
મથુરા નગરીમાં રોહિણી નક્ષત્ર મધ્યે વૃષભ લગ્નમાં શ્રાવણ વદ અષ્ટમીની પવિત્ર તિથિએ પ્રેમાવતાર, જ્ઞાનાવતાર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું. શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવ ના પુત્ર છે. તેમનો જન્મ મથુરાની જેલમાં રાત્રે ૧૨ વાગ્યે થયો હતો. પરંતુ કંસના ડરથી વાસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરી બાબા નંદરાય અને યશોદા પાસે ગોકુળમાં મૂકી આવ્યા હતા. આમ એક જન્મ આપનાર અને એક પાલક માતા-પિતા બન્યા.
“નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી”
શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મની જળમૂળ થી ઉખાડી ફેંક્યો અને ધર્મની સ્થાપના કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતા ગીતાજીની રચના કરી જે આજના કળયુગની અંદર હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ કહેવાય છે.
બાળકો હિન્દુ
ધર્મનું મહત્વ સમજે અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનથી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં
જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન કૃષ્ણના જન્મ પ્રસંગે સમજૂતી આપી.
કૃષ્ણના બાળલીલાના પ્રસંગ શિક્ષકો દ્વારા નાત્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો.
બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો, મટકી ફોડી નંદ ઘેર આનંદ ભયોથી સમગ્ર વાતાવરણ
ભક્તિમય બની ગયું હતું.
© Gajera Vidyabhavan, Katargam All rights reserved. Contact Us