માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. દરેક તહેવારની પોતાની અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા હોય છે. દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું હોય છે. એવો જ એક પવિત્ર પર્વ છે મહાશિવરાત્રી. દેવાધી દેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. તેમાં પણ મહા મહિનામાં આવતી શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી, તેનું વિશિષ્ટ મહત્વ છે. શિવરાત્રીના દિવસે ફ્લાવર યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવ્યું છે અને વળી આ જ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય પણ થયું હતું. આ સિવાય અન્ય કેટલી કથાઓ પણ શિવરાત્રી સાથે જોડાયેલી છે. મહાશિવરાત્રીના ઉત્સવની ભગવાન શંકરના વિવાહના ઉત્સવ તરીકે પણ જવામાં આવે છે.
ભગવાન શંકરને આદિપુરુષ કહેવામાં આવે છે. તે જ્ઞાન, યોગ, વૈરાગ્ય તથા સાધુતાના પરમ આદર્શ કહેવાય છે. તેઓ ભયંકર રુદ્રરૂપ છે. તો સાથે ભોળાદેવ તરીકે પણ ઓળખાય છે. તેમનો ત્યાગ અનુપમ છે. અન્ય બધા જ દેવતા સમુદ્ર મંથન માંથી નીકળેલા લક્ષ્મી, કામધેનું, કલ્પવૃક્ષ અને અમૃત લઈ ગયા પરંતુ તેમાંથી નીકળેલું વિષ મહાદેવજી પી ગયા અને તેઓ નીલકંઠ કહેવાય. ભગવાન શંકર જ સંગીત અને નૃત્યકલાના આદિ આચાર્ય છે. “ત્રંબકમ યજામહે…” શિવ ઉપાસનાનો વેદમંત્ર છે.
બાળકો ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય અને એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘કેદારનાથ’ની પ્રતિકૃતિ બનાવી. બાળકોને ભગવાન શિવનું મહાત્મ્ય સમજાવ્યું. ત્યારબાદ બરફનું પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી અને બાળકોને પારધી અને મૃગની પૌરાણિક કથા નાટ્યકૃતિ દ્વારા સમજવામાં આવી. હર-હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શિવરાત્રીના પર્વની આપ સર્વને શુભકામનાઓ..