World Photography Day

દર વર્ષે 19 ઓગષ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ એવા લોકોને સમર્પિત હોય છે, જેમણે ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી દીધી છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટૂડિયોમાં જતા હતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઇલ હોય છે જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે તેને પોતાની પાસે હંમેશા માટે સાચવીને રાખી શકે છે. વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે જે ફોટોગ્રાફીના શોખીન છે અને તેમણે ફોટોગ્રાફીને જ પોતાનું કરિયર બનાવી લીધું છે. ખાસ કરીને આ પ્રકારના જ લોકો માટે અને વિશ્વભરના ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આપણે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ઈતિહાસ વિશે જાણીશું, સાથે જ કેમ આ દિવસ માનવવામાં આવે છે તેના વિશે પણ જાણકારી મેળવીશું. 

શું છે ફોટોગ્રાફી ડેનું મહત્ત્વ?
વિશ્વ ફોટોગ્રાફી દિવસનું મહત્ત્વ જાગરૂકતા પેદા કરવાનું, અને પોતાના વિચારોને એક તસવીર મારફતે શેર કરવાનું અને ફોટોગ્રાફીના વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું છે. આ દિવસ ન માત્ર તે વ્યક્તિની યાદ અપાવે છે જેમણે ફોટોગ્રાફીમાં વિશેષ યોગદાન આપ્યું છે પરંતુ ભવિષ્યની પેઢીને પણ પોતાની ફોટોગ્રાફીની કુશળતા રજૂ કરવા માટે પ્રેરિત કરે છે. 

શું છે ફોટોગ્રાફી ડે મનાવવા પાછળની કહાની?
વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવા પાછળની સ્ટોરી સેંકડો વર્ષ જૂની છે. આજથી લગભગ 181 વર્ષ પહેલા બનેલી એક ઘટના બાદથી જ આ દિવસ મનાવવામાં આવે છે. તેની શરૂઆત ફ્રાન્સમાં 9 જાન્યુઆરી, 1839થી શરૂ થઇ હતી. તે સમયે ડૉગોરોટાઇપ પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી, જેને વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવે છે.. આ પ્રક્રિયાનો આવિષ્કાર ફ્રાન્સના જોસેફ નાઇસફોર અને લુઇસ ડૉગેરે કરી હતી. 19 ઑગષ્ટ, 1839ના રોજ ફ્રાન્સની સરકારે આ આવિષ્કાર વિશે જાહેર કર્યુ હતુ અને તેનું પેટેન્ટ પોતાના નામે કરાવ્યું હતું. આ દિવસની યાદમાં જ ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ એટલે કે ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ મનાવવામાં આવે છે. 

વર્ષ 1839માં વિશ્વની પ્રથમ સેલ્ફી લેવામાં આવી હતી
કહેવામાં આવે છે કે અમેરિકાના ફોટો પ્રેમી રૉબર્ટ કૉર્નેલિયસ એવા વ્યક્તિ હતા, જેમણે વિશ્વની પ્રથમ સેલ્ફી ક્લિક કરી હતી. તેમણે વર્ષ 1839માં આ સેલ્ફી લીધી હતી. જો કે તે સમયે તેઓ એ બાબતથી અજાણ હતા કે તેમની આ પ્રકારની પોતાની તસવીર ક્લિક કરવાની કળા ભવિષ્યમાં સેલ્ફીના નામથી પ્રચલિત થશે.. તે તસવીર આજે પણ યૂનાઇટેડ સ્ટેટ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *