શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને શિસ્તની ભાવના વિકસે તે હેતુથી ભવ્ય ઇન્વેસ્ટીચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૩૪ વિદ્યાર્થીઓએ વિવિધ હોદ્દાઓ માટે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની યોગ્યતા, નેતૃત્વ ક્ષમતા, શિસ્ત અને જવાબદારીને ધ્યાનમાં રાખીને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગીના અંતે પટેલ વેદની હેડ બોય તરીકે તથા સાવલિયા જીયાની હેડ ગર્લ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બંને વિદ્યાર્થીઓને શાળાના આગેવાન તરીકે બેજ અને સૅશ અર્પણ કરીને શપથ લેવડાવવામાં આવ્યો હતો. તેમણે શાળાના નિયમોનું પાલન કરવા, વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા અને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવી વિદ્યાર્થી પરિષદને શુભેચ્છાઓ પાઠવી અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ, પ્રેરણાદાયી અને સફળતાપૂર્વક સંપન્ન થયો.
